મેં પૂછ્યું; વનવાડી! તુજમાં ફૂલ કેટલાં?
Me Puchhyu; vanvaadi! tuj ma ful ketla
કતીલ શિફાઈ
Qateel Shifai
કતીલ શિફાઈ
Qateel Shifai
મેં પૂછ્યું; વનવાડી! તુજમાં ફૂલ કેટલાં?
વાડી બોલી; જગમાં હસતાં લોક જેટલાં!
શું આ સત છે ભાઈ?
બોલ કતિલ શિફાઈ!
મેં પૂછ્યું; ધરતી તુજ પર છે વૃક્ષ કેટલાં?
ધરતી બોલી; હાર્યા... થાક્યા પથિક જેટલા!
શું આ સત છે ભાઈ?
બોલ કતિલ શિફાઈ!
મેં પૂછ્યું; સરિતા! પનઘટ તુજ તણા કેટલા?
સરિતા બોલી; રિક્ત રહી 'ગ્યા ઘડા જેટલા!
શું આ સત છે ભાઈ?
બોલ કતિલ શિફાઈ!
મેં પૂછ્યું; પાયલ! તુજમાં છે ગીત કેટલાં?
પાયલ બોલી; મુજ પર લજ્જાપાશ જેટલા!
શું આ સત છે ભાઈ?
બોલ કતિલ શિફાઈ!
મેં પૂછ્યું; વર્ષા! ફોરાં તુજ પાસ કેટલાં?
વર્ષા બોલી; ભીતર તારે પાપ જેટલાં!
શું આ સત છે ભાઈ?
બોલ કતિલ શિફાઈ!
મેં પૂછ્યું; નૌકા! તુજ તારણહાર કેટલાં?
નૌકા બોલી; મુજને ડૂબવનાર જેટલા!
શું આ સત છે ભાઈ?
બોલ કતિલ શિફાઈ!
મેં પૂછ્યું; ગોરી! આભૂષણ તને કેટલાં?
ગોરી બોલી; શાહુકારથી બચ્યાં જેટલાં!
શું આ સત છે ભાઈ?
બોલ કતિલ શિફાઈ!
(અનુ. 'અગમ' પાલનપુરી)
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ 1982 (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
