મારું આભલું...
maru aabhlu
મધુમતી મહેતા
Madhumati Mehta
મધુમતી મહેતા
Madhumati Mehta
રંગીલું રૂપાળું મારું આભલું
પાડું એમાં કેસરિયાળી ભાત રે,
આંગણીએ બેઠાં છે મેના-મોરલા
કલબલ કલબલ કરતી ચકલી ચાર રે
રંગીલું રૂપાળું મારું આભલું.
એ આવે તો જંતર ઝીણાં છેડશું
નહીં તો જીવ ભરીને જોશું વાટ રે
ઉભડક બેઠી ઉતાવળ્યું ઉલ્લેચશું
બેડે મારે નીતરતી નવરાશ રે,
રંગીલું રૂપાળું મારું આભલું.
ઘમ્મર ઘમ્મર એમ વલોવું જાતડી
આંખડિયુંમાં આંજી પૂનમ રાત રે
અચરજને અજવાળે ઠેલું ઉમ્બરા
પગલે પગલે પ્રગટાવું પરભાત રે
રંગીલું રૂપાળું મારું આભલું.
સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : નવેમ્બર ૨૦૨૬ (પૃષ્ઠ ક્રમાંક 128)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન
