mare gher aavje beni - Geet | RekhtaGujarati

મારે ઘેર આવજે બેની

mare gher aavje beni

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
મારે ઘેર આવજે બેની
ઝવેરચંદ મેઘાણી

મારે ઘેર આવજે બેની!

નાની તારી ગૂંથવા વેણી.

આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ;

ફૂલ વિના મારી બેનડી! તારા શોભતા નો'તા વાળ. મારે...

બાગબગીચાના રોપ નથી બેની ઊગતા મારે ઘેર;

મોગરા, ડોલર, જાઈ, ચંબેલીની મારે માથે નથી મહેર. મારે...

રૂપ સુગંધી હું કાંઈ નો જાણું ડુંગરાનો ગોવાળ!

આવળ, બાવળ, આકડા કેરી કાંટ્યમાં આથડનાર. મારે...

ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર;

સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બહેન સાટુ વીણનાર. મારે...

પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ;

કેસૂડલાં કેરી વાંકડી કળિયું વીણીશ છેલ્લી ડાળ. મારે...

ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ;

વાગશે કાંટા, ગાજશે સાવજ, તોય જરીકે બીશ. મારે...

સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ;

ગોંદરે ઊભીને વાટ જોતી બેની માંડશે છૂટાછૂટ. મારે...

મોઢડાં નો મચકોડજે બાપુ! જોઈ જંગલનાં ફૂલ;

મોરલીવાળાને માથડે તો ઓપતાં'તાં અણમૂલ. મારે...

શિવ ભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસરાત;

તુંય ભોળી મારી દેવડી! તુંને શોભશે સુંદર ભાત. મારે...

ભાઈ ભાભી બેય ભેળાં બેસીને ગૂંથશું તારે ચૂલ;

થોડી ઘડી પહેરી રાખજે વીરનાં વીણેલ વેણીફૂલ! મારે...

મારે ઘેર આવજે બેની!

લાંબી તારી ગૂંથવા વેણી!

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941