મારા ઘરમાં તારો દીવો...
mara ghar ma taro divo...
વિનોદ જોશી
Vinod Joshi
વિનોદ જોશી
Vinod Joshi
મારા ઘરમાં તારો દીવો તારા ઘરમાં મારો,
હું ને તું રાખીને બેઠાં સૂરજનો સહિયારો...
મેં તારી વાડીમાં વાવ્યા તકલાદી પડછાયા,
તેં સીંચીને કરી જીવતી ધબકારાથી કાયા;
ચાંદરણું લઈ મારું, દીધો તેં કિરણોનો ભારો.
હું ને તું રાખીને બેઠાં સૂરજને સહિયારો...
મેં આપેલી એક કાતળી અમથી રોપી કૂંડે,
પછી ગળ્યો ઘુઘવાટ થયો તારામાં ઊંડે ઊંડે;
તારા દરિયે ફરી વળ્યો મારો પરસેવો ખારો.
હું ને તું રાખીને બેઠાં સૂરજને સહિયારો...
તું ઝાકળથી લખતી મારા જીવતરનું સરનામું,
હું પલળેલી ટપાલમાં મોકલતો વાદળ સામું;
બંને જોતાં ટગર ટગર બંનેનો પહેલો વારો,
હું ને તું રાખીને બેઠાં સૂરજને સહિયારો...
સ્રોત
- પુસ્તક : રેશમી ટહુકાની રજાઈ (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : ઉત્પલ પટેલ
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2023
