unDun joyun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઊંડું જોયું....

unDun joyun

ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત શેઠ
ઊંડું જોયું....
ચંદ્રકાન્ત શેઠ

ઊંડું જોયું, અઢળક જોયું;

મનમાં જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં ચમકી આંખો, આંખોમાં જ્યોતિ,

કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ મોતી !

તળિયે જોયું, તગતગ જોયું;

ઊંડે જોયું, અઢળક જોયું.

માટીથી મન બંધાયું ને મનથી કૈં મમતા;

મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!

જળમાં જોયું, ઝગમગ જોયું

ઊંડે જોયું, અઢળક જોયું.

ઘર, ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા મનખો;

ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો ?

પલમાં જોયું, અપલક જોયું;

હદમાં જોયું, અનહદ જોયું;

ઊંડું જોયું, અઢળક જોયું.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 210)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004