manmel - Geet | RekhtaGujarati

કેવા રે મળેલા મનના મેળ?

હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મેળ?

ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,

જેવી માંડવે વીંટાય નાગરવેલ:

હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!

તુંબું ને જંતરની વાણી

કાંઠા ને સરિતાનાં પાણી

ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ:

હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,

જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ:

હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!

સંગનો ઉમંગ માણી,

જિન્દગીને જીવી જાણી;

એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ:

હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,

જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :

હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 401)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007