મણિયાર તમારા આંગણે આવી કૂટવા છાતી
maniyaar tamaaraa aangane aavii kuutavaa chaatii
મણિયાર તમારા આંગણે આવી કૂટવા છાતી
મણિયાર તમારા હાથને કાળી મેશ કાં લાગી!
મણિયાર હવે તો ડૂસકાંઓનો પાર નથી કાઈ
મણિયાર અમારી હથેળીઓમાં ભાર નથી કાઈ
મણિયાર જોયું નઈ કેમ તેં મારા હાથને ભાખી!
મણિયાર તમારા હાથને કાળી મેશ કાં લાગી!
મણિયાર કો કાગડી ગોખમાં બેસી રડશે તારા
મણિયાર કો કાગડી હાથને કોતરી નાખશે તારા
મણિયાર સમડિયું નાચશે તારા લોહીને ચાખી
મણિયાર તમારા હાથને કાળી મેશ કાં લાગી!
મણિયાર તે મારું આયખુ આખું છળમાં દાટ્યું
મણિયાર તે મારા ભાગને પળમાં નંદવી નાખ્યું
મણિયાર સજેલા સપનાની તેં લાજ ના રાખી
મણિયાર તમારા હાથને કાળી મેશ કાં લાગી!
મણિયાર તમારા રાજથી ચાલ્યા જઈશું છેટા
મણિયાર તમારા આંગળી વેઢા રેહશે રેઢાં
મણિયાર તમારી બંગડિયુંની ફાંસ રે વાગી
મણિયાર તમારા હાથને કાળી મેશ કાં લાગી!
મણિયાર તમારા આંગણે આવી કૂટવા છાતી
મણિયાર તમારા હાથને કાળી મેશ કાં લાગી!
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ