રમેશ જાની
Ramesh Jani
અંતરિયું કોરું ને કોરી ચૂંદડી
તારે કેસૂડે રંગાયાં રંગરોળ જો!
આખું યે ભીંજાવી ગઈ આયખું
તારી પ્રીતની તે છલકંતી છોળ જો!
અંતરિયું૦
સોનલા વાટકડી મારા નેણની
મીઠા રાગને કસુંબે લાલ, ઘોળજો!
વેલડી વળૂંબેલ વરખડા સમ
મારે રોમરોમ કોળજો!
અંતરિયું૦
હૈયાનો હિંડોળો વ્હાલમ, હીંચતો
ઊંડા આભને ભરંત ઝાકમઝોળ જો!
તારલા વીણીને પાછા આવશું
ઊતરી આભ ને ધરતીના ઢોળ જો!
અંતરિયું૦
ઘેરો રે ચંદરવો તારા નેહનો
મારા ઉરની બિછાત અણમોલ જો!
આવજો હો ભેરુ મારા પ્રાણના,
આપણ ગાઈશું મંગળ-ધોળ જો!
અંતરિયું૦
સ્રોત
- પુસ્તક : પૂર્વા (પૃષ્ઠ ક્રમાંક 4)
- સર્જક : રમેશ જાની
- પ્રકાશક : અક્ષરા પ્રકાશન
- વર્ષ : 1984
