mane yaad chhe - Geet | RekhtaGujarati

મને યાદ છે

mane yaad chhe

ચંદ્રેશ મકવાણા ચંદ્રેશ મકવાણા

રાયડાના પીળચટ્ટા પાંદડાએ ઝીલેલી ઝાકળની ધાર મને યાદ છે

રજકાના ક્યારામાં ટૂંટિયું વાળેલી એક ઠંડી સવાર મને યાદ છે.

આંબાની ડાળીએથી ખરતો ઉનાળો

અમે બાજરાના પાને ઝીલ્યો’તો

આખુંયે ગામ જ્યારે છાંયડા પીતું’તું

ત્યારે કેસૂડો વગડે ખીલ્યો’તો.

કેસરિયા રંગ સાથે હોળી ખેલીને અમે ભાંગેલી જાર મને યાદ છે

રજકાના ક્યારામાં...

ડાંગરના ક્યારાને અડકેલું ચોમાસુ

આંખો ફાડીને ખૂબ વરસ્યું’તું

અજવાળા સૂરજના વાદળમાં બંધ

એને જોવાને ફળિયું કૈં તરસ્યું’તું

એક નાનકડી દીવીને સથવારે પીધેલો ઘેરો અંધાર મને યાદ છે.

રજકાના ક્યારામાં....

સ્રોત

  • પુસ્તક : વૃક્ષ નથી વૈરાગી (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : ચંદ્રેશ મકવાણા
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2009