mane bhuli to jo! - Geet | RekhtaGujarati

મને ભૂલી તો જો!

mane bhuli to jo!

વિનોદ જોશી વિનોદ જોશી
મને ભૂલી તો જો!
વિનોદ જોશી

મને ભૂલી તો જો!

તેં મને તારામાં પૂર્યો

વાતને કબૂલી તો જો!

લોક બધાં જોતાં કે પાંદડું હલે છે

તને એકને દેખાતો વાયરો,

તારામાં તુંય હજી આંજે અણસાર

અને મારામાં હુંય ભરું ડાયરો;

પોપચાંનું અંધારું ઓઢીને

પોયણામાં ખૂલી તો જો!

છેટે રહેવાથી નહીં ટાળી શકાય

મારી પડખેનો આવરો ને જાવરો,

થોડી તું ઘેલી કહેવાય અને

થોડેરો હુંય હજી કહેવાતો બ્હાવરો;

હોઠના હિસાબ હશે હૈયામાં,

કોક દિ' વસૂલી તો જો!

સ્રોત

  • પુસ્તક : રેશમી ટહુકાની રજાઈ (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : ઉત્પલ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2023