
દેવદુવારાની ગાવડી રેણુ
ચરતી વગડા પાર;
સાંજ નમે ને વાછરું જોતાં
દૂધની છૂટે ધાર –
આંચળ એના મૂઠ ન માતા:
દધિના કૂપ સમાતા!
આંખડી બે એની કોડિયાં જેવી,
શીંગડી દીપક-વાટ;
કામદુધાની બેટડી રેણુ,
સંતનો ઉર ઉચાટ:
ટણણણ ઘંટડી બોલે
દિશાનાં બારણાં ખોલે!
કેમ થતું એ કોઈ ન જાણે,
સંત રુએ દિન-રાત;
દિવસ ઉપર દિવસ ચાલ્યા,
વાછરુંને રઘવાટ:
રેણુનાં ધાવણ ખૂટ્યાં!
જોગીડાનાં સત શું તૂટ્યાં!
વાયરે વાયરે વાતડી ચાલી
ફરક્યા કાનેકાન;
વાળંદિયે વાત નૃપને કીધી,
રાણીને માલણ-સાન:
“પાણો કો વગડા પારે!
નવાડતી દૂધની ધારે!”
ચૉરેચૌટેથી માનવ ચાલ્યાં
ઊમટ્યાં ચારે જન;
રાજા રાણી બેઉ પાલખી બેઠાં,
જોગીનાં ફૂલતાં મન:
જંગલમાં મંગળ થાતાં!
જનો હૈયેહૈયાં દળાતાં!
શેવતીમાં શિવલિંગ છૂપાયું,
ઉપર છાતીમ-છાંય;
રેણુડી મોકળે આંચળ ઊભી,
દૂધની ધારે ન્હાય:
ધતૂરનાં ફૂલડાં ડોલે!
બપૈયા બે ડાળીએ બોલે!
લંકાદ્વીપેથી સોનાં મંગાવ્યાં,
રેવાના આરસપ્હાણ;
એશિયા-ઉરથી શિલ્પવિશારદ,
નાંગરે આરે વ્હાણ:
મહા ઘોર ઘુમ્મટ બાંધ્યા;
ધરા-આભ થાંભલે સાંધ્યાં!
મધ્યમ દેશનું ઈંડુ ચડાવ્યું,
જાવાના ઝૂલતા ઘંટ;
હીરા ખોદી શત ખાણના ચોડ્યા,
વાવટા વ્યોમ ઊડંત:
નવે દ્વીપ નામના ગાજે!
આવે લોક દર્શન કાજે!
પુર મહીં દીપમાળ રચાઈ,
શેરીએ પાથર્યાં ફૂલ;
માનવીથી ભરચક ઝરૂખા,
ઝૂલતાં તોરણ ઝૂલ:
રાજા-રાણી પાલખી કાંધે,
મહીં શિવલિંગ વિરાજે!
દૂર ઊભા ઊભા ઢેઢડા જુએ,
કોઈ ન આવે પાસ;
ભીની આંખે શિવલિંગ નિહાળે,
પાથરે પથ નિશ્વાસ:
‘છી! છી!’ કરી મા’જન ભાગે:
ધિક્કારના ધૂતકા ગાજે!
વેદી પરે શિવલિંગ ધર્યું જ્યાં,
કંપતી ધરણી માત;
ઘુમ્મટ ફાટ્યો, આભ ધ્રૂજી રહ્યું,
સ્તંભ ખર્યાં ધધડાટ:
ચીરે સાત વ્યોમ ધડાકો!
દેરે નવ દેવડો માતો!
નૃપતિ બેઉ હોઠ ધરુજ્યા,
આંખ ઝરે અંગાર;
કંપ નહિ એની કાયમાં માતો,
જીભ ધ્રૂજે ક્ષણ વાર:
“પાણાને ધૂળમાં રંગો!
કીચડનો રચજો દંગો!”
કોઈ નથી ઊભું ક્યાંયે નિહાળી
ધ્રૂજતો આવ્યો ઢેઢ;
રાતનાં આંસુ વ્યોમમાં ફૂટ્યાં,
દેવગંગાનો વેઢ:
આંસુડે લિંગને ધોયું;
સૂકા વાળે અંગને લ્હોયું!
ઝૂંપડીમાં જ્યમ લિંગ મુકાયું
ફૂટતી અમૃત વાચ –
“સાત નભોના ઘુમ્મટ તાણો,
માયે ન તાંડવ નાચ:
તોયે તારું ઝૂંપડું મોટું!
ત્યજાયાંને ઉર આળોટું!”



સ્રોત
- પુસ્તક : કોડિયાં (પૃષ્ઠ ક્રમાંક 60)
- સર્જક : કૃષ્ણલાલ શ્રીધરાણી
- પ્રકાશક : વોરા ઍન્ડ કંપની પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ
- વર્ષ : 1957
- આવૃત્તિ : 2