Mandir - Geet | RekhtaGujarati

મંદિર તારું વિશ્વ રૂપાળું,

સુંદર સરજનહારા રે;

પળ પળ તારાં દર્શન થાયે,

દેખે દેખનહારા રે! મંદિર૦

નહિ પૂજારી, નહિ કોઈ દેવા,

નહિ મંદિરને તાળાં રે!

નીલ ગગનમાં મહિમા ગાતા,

ચાંદો સૂરજ તારા રે. મંદિર૦

વર્ણન કરતાં શોભા તારી,

થાક્યા કવિગણ ધીરા રે;

મંદિરમાં તું ક્યાં છુપાયો?

શોધે બાળ અધીરા રે. મંદિર૦

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 202)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન
  • વર્ષ : 2021
  • આવૃત્તિ : સંવર્ધિત આવૃત્તિ