mandava muhurat vela gavanu geet - Geet | RekhtaGujarati

માંડવા મુહુરત વેળા ગાવાનું ગીત

mandava muhurat vela gavanu geet

દલપતરામ દલપતરામ
માંડવા મુહુરત વેળા ગાવાનું ગીત
દલપતરામ

મોતીડે છાયો રે માંડવો; જોવા ઉલટ્યું સૌ શેહેર,

લખમીની લીલા લ્હેર, મોતીડે છાયો રે માંડવો;

ચંદરવા બાંધ્યા ચળકતા; ફરતાં તોરણ ચોફેર,

ઘમકે ઘુઘરીનો ઘેર, મોતીડે છાયો રે માંડવો.

મનહર માણક થંભ છે; મુક્યા બારણા બાર,

મોટાં મે'રાબદા૨, મોતીડે છાયો રે માંડવો,

મણિમય ભીંતો શોભી ભલી; કીધી કનકની ગાર,

અદભુત ઓપે અપાર, મોતીડે છાયો રે માડવો.

રૂડા રંગના રમકડાં; હાથી દાંતનાં હોય,

કીધાં કનકનાં કોય, મોતીડે છાયો રે માંડવો;

હાંડી ઝુમ્મર ઝળકતાં; સરસ શોભે છે સોય,

જન વખાણે છે જોય, મોતીડે છાયો રે માંડવો.

વાજાં વિવિધ વિલાયતી; રૂડા ઉઠે માંહી રાગ,

અચરજ ઉપજે અથાગ, મોતીડે છાયો રે માંડવો;

સોના રૂપાનાં ઝાડ છે; જાણે સ્વર્ગનો બાગ,

આવી ઉતર્યો ભૂભાગ, મોતીડે છાયો રે માંડવો.

વિધવિધ રંગના વાવટા, મંડપ ઉપર માંડેલ,

કંચન કળશ કરેલ, મોતીડે ગયો રે માંડવો.

તોરણ હીરા મોતી તણાં, રૂડી રીતે રચેલ,

ચારે તરફ ધરેલ, મોતીડે છાયો રે માંડવો.

પવન પ્રસારવા પંખવા, જોયા વિધવિધ જાત,

ભભકાદાર માંહી ભાત, મોતીડે છાયો રે માંડવો;

મંડપની રૂડી માંડણી; જોઈ જન વરણવે વાત,

વિશ્વ વિષે થૈ વિખ્યાત, મોતીડે છાયો રે માંડવો.

જોવા જનના જથા મળ્યા, જોઈ હૈડે હરખાય,

ફરી ફરી જોવાને જાય, મોતીડે છાયો રે માંડવો,

મંડપમાં મળી માનની, ગીત મંગળ ગાય,

આનંદ ઓચ્છવ થાય, મોતીડે છાયો રે માંડવો.

જોવા લાયક જુગ્તિનાં; ત્યાં તો દીસે તમામ;

કારીગરીનાં બહુ કામ, મોતીડે છાયો રે માંડવો;

નિરખી મંડપની માંડણી, ઉરથી આશિષ ઠામ,

દે છે દલપતરામ, મોતીડે છાયો રે માંડવો.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002