kagwas - Geet | RekhtaGujarati

જયલા! તારો ફાટ્યાં વસ્તર કોણ સીવશે?

જયલા! તારા બદલે તારામાં કોણ જીવશે?

કાલે મળ્યા'તા અમને કાળ રે મહારાજા, કાલ થઈને પાછા આવશે

ચામડીના ઘરમાં ફરફર પતંગિયાં, ફરફર ધજાયું લહેરાવશે

જયલા! સતરંગ પાંખ્યુંમાં કોણ કોણ ઊડશે?

જયલા! તારાં ફાટ્યાં વસ્તર કોણ સીવશે?

દરિયામાં દરિયો થૈ ઊભાં થિર મોજાં, મોજાંનાં થળ થશે રાફડા

માટી રે મસાણે જૈ રાખમાં ફેલાશે, રાખ મોભારે જૈ થશે કાગડા

જયલા! તારાં વાસના-વસન કોણ ઝીલશે?

જયલા! તારાં ફાટ્યાં વસ્તર કોણ સીવશે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : રાજેશ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2012