manas jewo manas kshanman dhumaDo thai jay - Geet | RekhtaGujarati

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય

manas jewo manas kshanman dhumaDo thai jay

સંદીપ ભાટિયા સંદીપ ભાટિયા
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય
સંદીપ ભાટિયા

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય કંઈ જેવીતેવી વાત નથી

ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય કંઈ જેવીતેવી વાત નથી

વીતી પળનાં પડછાયાને પકડી રાખે ફ્રેમ

કાચનદીને પેલે કાંઠે કંકુ કંકણ પ્રેમ

તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય કંઈ જેવીતેવી વાત નથી

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય કંઈ જેવીતેવી વાત નથી

આંગળીઓની વચ્ચે એના ગુંજ્યા કરસે પડઘા

હૂંફાળા સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા

ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય કંઈ જેવીતેવી વાત નથી

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય કંઈ જીવીતેવી વાત નથી

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે

સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે

પાંપણ ઉપર દર્પણ જેમ ઘટનાઓ તરડાય કંઈ જેવીતેવી વાત નથી

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય કંઈ જેવીતેવી વાત નથી

સ્રોત

  • પુસ્તક : કાચનદીને પેલે કાંઠે (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સર્જક : સંદીપ ભાટિયા
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008