મનજી ઓધેડદાસ
manaji odheddas
રમેશ પારેખ
Ramesh Parekh

મનજી ઓધેડદાસ રહેવાસી ગોધરા ઉંમર સાઠ(કે ઓગણસાઠ)ને ધંધો તરગાળાનો
ત્યાં ઠોકેલી રાવટી આજે અહીં તો કાલે ક્યાંક ને મારગ તડકેછાંયે પગપાળાનો
મનજીને (મા'દેવની) અફર માનતા છે કે ઘરવાળાંની કૂખમાં દીવો થાશે
એટલે એણે ટેક લીધી કે અડવાણા ને અવળા પગે હાલતો કાશી જાશે
ઘરવાળાંની કૂખને ઘણી ખમ્મા ક્હેવા ઊપડે અને લબડી પડે હોઠ
કૂખદીવાને થાપવા કાજે પાથરેલા ને પાથરેલા રહી જાય ખાલી બાજોઠ
લીલબાઝેલી આંખમાં હવડ જળ ને એમાં એક હજુ ગંધાય છે ટાપુ પરવાળાનો
કોઈ વેળા સગાળશા જેવા વેશમાં સગા દીકરાને પણ ખાંડતો સગા હાથે
મનજી પોતે પણ ખંડાતો હોય ખંડાતો હોય ખંડાતો હોય છે સાથેસાથે
ખેલમાં ઝાંખી પડતી કિસનલાઇટની સામે કોઈ રાતે તરવાર ખેંચેલો રાજા
દિવસે જ્યારે મનજી વેશે હોય છે ત્યારે ગામનું નામ જ - કોઈ નથી દરવાજા
આમ તો પોતે સાવ ખુલ્લોફટ્ટાસ ને ગામેગામ ઉઘાડે છોગ થતો વહેવાર તાળાંનો



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૭ (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ