મન માને, તબ આજ્યો માધો
man maane, tab aajyo maadho
ઉશનસ્
Ushnas

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.
આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. —માધો૦
ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે 'તેડો',
કોઈ દન અહીં થઈ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઈ જાજ્યો રે. —માધો૦
મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો
મન માને તબ આજ્યો, માધો.



સ્રોત
- પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 592)
- સંપાદક : ડૉ. શ્રી મફત ઓઝા, ડૉ. શ્રી હેમન્ત દેસાઈ, શ્રી બલ્લુભાઈ પારેખ
- પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
- વર્ષ : 1996