majhdhaare mulaakaat - Geet | RekhtaGujarati

મઝધારે મુલાકાત

majhdhaare mulaakaat

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
મઝધારે મુલાકાત
હરીન્દ્ર દવે

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,

એનું ઢૂંકડું હોજો પ્રભાત,

સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,

હજી આદરી અધૂરી મારી વાત.

વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,

એક જરા મોંઘેરું ક્હેણ નાખું વાલ્યમા,

ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,

એને મોરલીને સૂર કરું મ્હાત;

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,

એનું ઢૂંકડું હોજો પ્રભાત.

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,

કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,

મારા કિનાર રહો દૂર ને સુદૂર,

રહો મઝધારે મારી મુલાકાત,

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,

એનું ઢૂંકડું હોજો પ્રભાત.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ