maiyar paachhun saambhare - Geet | RekhtaGujarati

મૈયર પાછું સાંભરે

maiyar paachhun saambhare

વિનોદ જોશી વિનોદ જોશી
મૈયર પાછું સાંભરે
વિનોદ જોશી

એવો પાદરમાં દીઠો અમિયલ આંબલો

એનાં ફળ રે મીઠાં ને તૂરી છાલ

મૈયર પાછું સાંભરે...

આંખ્યું જેવી મંડાણી લીલાં પાંદડે

રાતી શેડ્યે ભરાણાં કૂણાં ગાલ

મૈયર પાછું સાંભરે...

આછા આછા પવન આછી ઓઢણી

અમે આછેરા પૂછ્યા સવાલ

મૈયર પાછું સાંભરે...

કાળા કેશ ને કાળી કાળી કાંસકી

કિયા કામણથી કીધા કમાલ

મૈયર પાછું સાંભરે...

એક ઠેશે ફંગોળી નાખ્યો હીંચકો

ભેળાં હાલ્યાં ઉડાડી ગુલાલ

મૈયર પાછું સાંભરે...

આજ પાણી પીધાં ને ચાવ્યાં ટોપરાં

લાજું રાખી'તી શ્રીફળની કાલ

મૈયર પાછું સાંભરે...

પાછું ડગલું ભરીને ભૂંસી કેડીયું

આગળ ઊભી અજાણી દીવાલ

મૈયર પાછું સાંભરે...

સ્રોત

  • પુસ્તક : ઝાલર વાગે જૂઠડી (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : વિનોદ જોશી
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ