mahina - Geet | RekhtaGujarati

મહિના

mahina

દલપતરામ દલપતરામ

કારતક મહીને અબળા કેહે છે કંથને,

હવે શિયાળો આવ્યો સ્વામીનાથ જો;

હિમાળુ વા વાય રે હલકી ટાઢડી

શું શોધો પરદેશ જવાના સાથ જો;

મહીને નવ જઈયરે પિયુ પરદેશમાં -એ ટેક.

માગશર મહીને હોંશ ઘણી મનમાંહ રે,

રસિયા સંગ રમ્યાની મહાજમ રાત જો;

હસીએ ને વસીએ રે હૈડે હેતથી,

પિયુ મેલો પરદેશ જવાની વાતજો. એ મહીનેo

પોષે જે પરણીને પિયુડે પરહરી,

તે પ્રેમદાનાં પૂરણ મળીયાં પાપ જો;

સાસરીએ રહીને તે શું સુખ ભોગવે,

મૈયરમાં નવ ગોઠે મા ને બાપ જો. મહીનેo

માહ મહીને નવ કરીએ નાથ મુસાફરી,

ઘઉં સાટે જઈ લાવો ખોરી જાર જો;

જે મળશે તે જમશું મારા વાલમા,

જરૂર નહિ જાવા દઉં ઘરથી બહાર જો. એ મહીનેo

ફાગણ તો ફુલ્યો રે ફાલ્યાં ફૂલડાં,

હસે રમે ને ગોરી હોરી ગાય જો;

જે નારીનો નાવલીઓ નાસી ગયો;

કહી તેણે કેમ નજરે જોયું જાય જો. મહીનેo

ચૈતરમાં ચતુરને પંથ ચાલવું,

જો ઘેર નારી સારી ચતુરસુજાણ જો;

વહાલપને વચને રે પિયુને વશ કરે,

નિરધાર્યું તે પડ્યું રહે પરિઆણ જો. મહીનેo

વાવલીઆ વાયા રે પિયુ વૈશાખના,

રજ ઉંડે ને માણેક મેલું થાય જો;

નથડીનુ મોતી રે હીરો હારનો,

કહો પર હાથે કેમ તે ધીર્યો જાય જો. મહીનેo

જેઠે તો પરદેશ જાવું દોહલું,

તાપ તપે તે લા' જેવી લૂ વાય જો;

કોમળ છે કાયા રે મારા કંથની,

વણ સીંચ્યાં જેમ ફુલડી કરમાય જો. મહીનેo

અંબર ધનછાયો રે માસ અષાઢમાં,

મોર બોલે મેહ વરસે મૂસળધારજો;

કચરા ને કાદવ રે મચી મેદની,

પંખી માળા ઘાલે ઠારોઠાર જો. મહીનેo

શ્રાવણનાં વરસે રે સારાં સરવડાં,

ભર્યાં સરોવર નદીએ નીર માય જો;

ચકવા ને ચકવી પણ જોયાં જોડલે,

બગલો પણ જોડું તજી નવ જાય જો. મહીનેo

ભાદરવો ભરજોબનનો ફરી નહીં મળે,

વહી જાશે જેમ નદીઓ કેરાં નીર જો;

એવા રે દિવસ એળે નવ કાઢીએ,

વાત વિચારી જુઓ નણંદના વીર જો. મહીનેo

આસોના દિવસ તો અતિ રળીઆમણા,

ખાવું પીવું કરવા નવલા ખેલ જો,

ભેગાં બેસી જમીએ રમીએ સોગઠે,

રંગે રમતા ઉપજે રસની રૈલ જો. મહીનેo

માસ અધિકમાં અધિકપણે શું કીજીએ,

રહો જોડીને નેણ સંગાથે નેણ જો;

જેમ છૂટે બૂટો કાચ બિલોરનો,

દલપતના સ્વામી છો, જાણ પ્રવીણ જો. મહીનેo

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 102)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008