diwas raat - Geet | RekhtaGujarati

દિવસ-રાત

diwas raat

ગિરીશ ભટ્ટ ગિરીશ ભટ્ટ
દિવસ-રાત
ગિરીશ ભટ્ટ

ચૂલે આંધણ ઓર્યાં રે……...

એક આંખમાં આંસુ તગતગ

બીજીમાં વન મ્હોર્યાં રે!

ઉંબરમાં અટવાતા એના

દોથોદોથો સમણાં રે;

તુલસી-ક્યારે લખ ચોરાસી

ફેરાની પરક્રમણા રે.

રાંક અરીસે, કેશ પસાર્યા

ને જીવતર સંકોર્યાં રે.

ચૂલે આંધણ ઓર્યાં રે.

સમથળ-સમથળ ઢળતી સાંજે

ઢાંકાઢૂંબા કીધા રે;

સગની સાખે માઢ મેડીએ

નર્યા અચંબા પીધા રે.

મધરાતે પાંપણ મીંચી તો

મેઘધનુ કૈં મ્હોર્યાં રે -

ચૂલે આંધણ ઓર્યાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : રાજેશ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2012