amasni madhrat - Geet | RekhtaGujarati

અમાસની મધરાત

amasni madhrat

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
અમાસની મધરાત
બાલમુકુન્દ દવે

રમણે ચડેલ આજ ભાળી

મધરાત મેં તો રમણે ચડેલ આજ ભાળી;

ભીલડી જુવાનજોધ કાળી,

મધરાત જાણે ભીલડી જુવાનજોધ કાળી!

દશે દિશા તે જાણે ઘાઘરાનો ઘેર એનો,

ઠેકી ઠેકી લે તાળી;

આકાશી અતલસને તસતસતે કાપડે

સંતાડી રૂપની થાળી!

મધરાત આજ રમણે ચડેલ મેં તેા ભાળી.

નદીઓ ને નિર્ઝરનાં કડલાંને કાંબિયું

રણકાવે તાલસૂરવાળી!

ભોળા શંભુને જાણે ભોળવવા નીસરી

કિરાતી કામણગારી!

મધરાત આજ રમણે ચડેલ મેં તો ભાળી.

સુખિયાં સંજોગિયાં તો હૂંફાળી નીંદમાં

શાનાં જુએ તને કાળી?

બળતી આંખલડીએ બેસી વિખુટાં બે

ચકવા-ને ચકવીએ ભાળી!

મધરાત આજ રમણે ચડેલ મેંય ભાળી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983