maanviinaa re jiivan! - Geet | RekhtaGujarati

માનવીના રે જીવન!

maanviinaa re jiivan!

મનસુખલાલ  ઝવેરી મનસુખલાલ ઝવેરી
માનવીના રે જીવન!
મનસુખલાલ ઝવેરી

માનવીના રે જીવન!

ઘડી અષાડ ને ઘડીક ફાગણ,

એક સનાતન શ્રાવણ.

એક આંખે આંસુની ધારા,

બીજીએે સ્મિતના ઊડે ફુવારા,

તેજ-છાયાને તાણેવાણે

ચીતરાયું ચિતરામણ.

એક અંધારથી આવવું; બીજા

અંધારામાં જઈ સમાવું;

બિચમાં બાંધી આંખે પાટા

ઓશિયાળી અથડામણ.

આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં

જાય કરેથી મર્મ સરી ત્યાં,

ભલભલા માંહીં ભૂલા પડે તોય

કારમાં કેવાં કામણ?

ઘડી અષાડ ને ઘડીક ફાગણ,

એક સનાતન શ્રાવણ.

માનવીના રે જીવન!

સ્રોત

  • પુસ્તક : કાવ્યસુષમા (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : અનંતરાય રાવળ, ગુલાબદાસ બ્રોકર, અમૃતલાલ યાજ્ઞિક
  • પ્રકાશક : મનસુખલાલ ઝવેરી સન્માનસમિતિ
  • વર્ષ : 1959