માઝમ
maajham
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
ઘરની હામેથી જરા ખેતરવા દૂર ઓલી માઝમનાં જાય વહી પાણી,
કાંકરાળ મારગની ચાલ, જાણે વગડામાં ઝાંઝરની ઊછળંત વાણી.
— પાંખાળવો બોલ એનો ઝીલે ઝિંગોર
કે સીમ હાવ સૂની ને તોય કાંઈ શોર!
વહેલી સવારમાંહિ નાવણનો નેમ, જલ ભરવાને જાઉં લેઈ માણ!
ઊગમણે વાદળિયા લોબરીની આડ ન્યાંથી ધીરે રહી આવતો ભાણ
– આછોતરી લ્હેરને અકીકનો રંગ
રે કોઈ નહીં ત્યાંય તે કેસરિયો સંગ!
ઊંડેથી આવી ચારેકોર મારી, કોઈ કોઈ માછલી કાઢે રે બ્હાર મોઢું;
ગૌરી તે ગાય જેવી વ્હાલીને કેમ કરી ચોખાનો ચાંદલો ચોડું!
ઓરી ને તોય, હાથે ન એકને અડાય!
કે વ્હેણમાં રમતીલી મેલી દઉં કાય.
કોઈ રે છેડો ન એનો જાણું હું, જાણું એક મારી આ આંખમાં સમાતી,
મારા નાવલિયાને પાવે કૈં લાખ અલબેલાં ગીત દૈ જાતી.
અંકાશનેય અંગ અંગ અડકંત છોળ,
નીતરતો વાયરો આ ભીને અંઘોળ.
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 80)
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
