janani - Geet | RekhtaGujarati

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,

એથી મીઠી તે મોરી માત રે,

જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.

પ્રભુના પ્રેમતણી પૂતળી રે લોલ,

જગથી જુદેરી એની જાત રે. જનનીનીo

અમીની ભરેલ એની આંખડી રે લોલ,

વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. જનનીનીo

હાથ ગુંથેલ એના હીરના રે લોલ,

હૈયું હેમંત કેરી હેલ રે. જનનીનીo

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,

શશીએ સિંચેલ એની સોડ્ય રે. જનનીનીo

જગનો આધાર એની આંગળી રે લોલ,

કાળજામાં કૈંક ભર્યા કોડ રે. જનનીનીo

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,

પળના બાંધેલ એના પ્રાણ રે. જનનીનીo

મુંગી આશિષ ઉરે મલકતી રે લોલ,

લેતાં ખુટે એની લ્હાણ રે. જનનીનીo

ધરણી માતાયે હશે ધ્રુજતી રે લોલ,

અચળા અચૂક એક માય રે. જનનીનીo

ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,

સરખો પ્રેમનો પ્રવાહ રે. જનનીનીo

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,

માડીનો મેઘ બારે માસ રે. જનનીનીo

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,

એનો નહિ આથમે ઉજાસ રે.

જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.

સ્રોત

  • પુસ્તક : રાસતરંગિણી (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
  • સંપાદક : જમુભાઈ દાણી
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી લિ.
  • વર્ષ : 1945
  • આવૃત્તિ : આઠમી આવૃત્તિ