લૂ, જરી તું
luu, jarii tun
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ઉમાશંકર જોશી
Umashankar Joshi
લૂ, જરી તું ધીરે ધીરે વા,
કે મારો મોગરો વિલાય!
કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીયરો દુભાય!
પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં જે જંપી,
એકલી અહીં કે રહી પ્રિયતમને ઝંખી,
લૂ, જરી તું…
ધખતો શો ધોમ, ધીકે ધરણીની કાયા :
ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા;
પરિમલ ઊડે, ન ફૂલહૈયે સમાયા,
લૂ, જરી તું…
કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીયરો દુભાય;
લૂ, જરી તું ધીરે ધીરે વા,
કે મારો મોગરો વિલાય.
સ્રોત
- પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 482)
- સર્જક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
- વર્ષ : 1981
- આવૃત્તિ : બીજી આવૃત્તિ
