ચૂપ હતાં, છીએ ને રહેશું!
chuup hataa, chhiye ne rahiishun!
વિપુલ પરમાર
Vipul Parmar

ચૂપ હતાં, છીએ ને રહેશું!
આંખોમાં જે કથા ભરી એ હોઠોથી ના કહેશું.
ચૂંથી નાખી કૈક ઓઢણી, મસળી નાજુક કળીઓ
મોભ પ્રથમ માળાના સળગ્યા સતી થઈ’તી સળીઓ
જુદી જાતનું લોહી બોલે, ધીરે ધીરે વહેશું!
ચૂપ હતા, છીએ ને રહેશું!
વરસોથી ઘર કરી ગયેલી બીક બની ગઈ શરમ
રોજ રોજના ઘાને માન્યા, હોય હશે ભૈ કરમ!
અવાજ આવે ઊંડેથી કે જનમજનમ આ સહેશું!
ચૂપ હતા, છીએ ને રહેશું!



સ્રોત
- પુસ્તક : કુમાર : ઑક્ટોબર ૨૦૨૨ (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : પ્રફુલ્લ રાવલ
- પ્રકાશક : કુમાર ટ્રસ્ટ