lechujinun geet - Geet | RekhtaGujarati

લૅચુજીનું ગીત

lechujinun geet

ઈન્દુ પુવાર ઈન્દુ પુવાર
લૅચુજીનું ગીત
ઈન્દુ પુવાર

અમે લયનું લૂંટાવ્યું ગામ

કે લૅચુ લચકેલો

તમે વાણીનો કરજો વેપાર

કે લૅચુ ચસકેલો

સૂના તળાવની પાળે ઊભેલા જાંબાનો જૂગ જૂનો જોગી

લૅરમાં આવીને કોક હુંકારો દે ત્યાં લપાક લઇને ભોગી

મારે લાડી વાડીનાં શાં કામ?

કે લૅચુ લટકેલો

અક્ષરની પૂંછડીનો વાંકો વિસ્તાર હું અર્થોની ઠાઠડી બાંધું

મસાણિયા મહાદેવના ડમરુના સાદે ઘૂઘરમાળ બાંધી નાચું

મારી કાયા માયાનાં નામ

કે લૅચુ ભટકેલો

એમ લયનું લૂંટાવ્યું ગામ

કે લૅચુ લચકેલો

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 194)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004