lillichham lagninun geet - Geet | RekhtaGujarati

લીલ્લીછમ લાગણીનું ગીત

lillichham lagninun geet

નીતિન વડગામા નીતિન વડગામા
લીલ્લીછમ લાગણીનું ગીત
નીતિન વડગામા

લીલ્લીછમ લાગણીને આપજો કોઈ હવે,

સુક્કા સમ્બન્ધ કેરું નામ.

મ્હોરતાં ફોરતાં ને પળમાં આસરતાં

શબનમ જેવો છે સમ્બન્ધ,

સમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં

આંસુ તો રહેશે અકબંધ.

પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં

કેમ કરી ચૂકવવાં દામ?

સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે

આજકાલ હાથલિયા થોર,

આંખોના કાજળને દૂર કરી દેખીએ તો

અમને લાગે ગુલમ્હોર.

અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી

મારુંયે સાવ નામ-ઠામ.

સ્રોત

  • પુસ્તક : અમર ગીતો (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : ચંદ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2000