kewun? - Geet | RekhtaGujarati

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો

હવે ધોધમાર વરસો તો કેવું?

બારી ઉઘાડીએ તો આવે અજવાળું

હવે, બારણું ઉઘાડો તો કેવું?

ભીના અજવાળાને ઓરડામાં રાખીએ

તો વરસે તે સમણાનાં ઝાંપે,

ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે,

તો જાગેલા દીવાથી કાંપે.

દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો

હવે ખુજ તમે પ્રગટો તો કેવું?

બારી ઉઘાડીએ તો આવે અજવાળું

હવે, બારણું ઉઘાડો તો કેવું?

ધારો કે ફૂલ નામે ઊગે સરનામું

અને પીળી સુવાસ નામે શેરી,

ગામ એનુ ધોધમાર વરસાદી ઝાપટું

ને સૂકવેલી લાગણીઓ કોરી.

ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં,

હવે, તડકો થઈ આવો તો કેવું?

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો

હવે ધોધમાર વરસો તો કેવું?

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2004