
[વિપ્રલબ્ધાનું લગ્નશૈલીમાં કોરસ]
માણારાજ... માણારાજ... માણારાજ... માણારાજ!
મંડપ મણિનગરમાં રોપ્યો;
ભરચક ખાલીપાને જોખ્યો.
તડકા કેસરથી છંટાણાં;
ચોરસ કુંડાળે હોમાણાં.
અમને મીંઢળ બાંધી વેચ્યાં,
અમને અજવાળે ઉલેચ્યાં.
સૈયર! કાલ બની છે આજ!
સૈયર! લૂંટ્યા મબલખ રાજ!
સૈયર! ઢીંગલીઓ શણગારી કંકુ ચોડ્યાં માણારાજ!
માણારાજ... માણારાજ... માણારાજ... માણારાજ!
[નીંદરમાં નખ્ખ બોળી આંજ્યો ઉજાગરો ને છાતીઢક ઓઢ્યો છે ડૂમો,
હાથોમાં મહેંદીથી મહોરી છે હોળી ને સ્પર્શોની લૂમઝૂમ લૂમો...
ને સ્પર્શોની લૂમઝૂમ લૂમો]
સૈયર! પલક – પાંપણે બોળ્યાં,
અમને રામણ – દીવે રોળ્યાં,
અમને ચોખલિયાળી ચૂંદડીએ ઢંઢોળ્યાં માણારાજ!
માણારાજ... માણારાજ... માણારાજ... માણારાજ!
[પડતર પરસેવાની પડખામાં ગંધ ક્યાંક ધસમસતા ડંખીલા ડાઘ,
સપનામાં અંગતના અણદીઠા રંગ હવે ચીતરે છે આષાઢી આભ...
હવે ચીતરે છે આષાઢી આભ]
સૈયર! ચપટીક શ્વાસે ઘોળ્યાં,
અમને હતાં–હશુંમાં ખોળ્યાં,
અમને તલાવડીની વડપૂજાએ ડહોળ્યાં માણારાજ!
માણારાજ... માણારાજ... માણારાજ... માણારાજ!



સ્રોત
- પુસ્તક : ત્રિજ્યા
- સર્જક : દાન વાઘેલા
- વર્ષ : 1986