kuunchii - Geet | RekhtaGujarati

કહોને કૂંચી કોઈને જડી?

હુંય અભાગી, કરી ઉતાવળ

અવળે હાથે પડી... કહોને...

રે પટારો, અજબ, અનોખો,

એનું અજાયબ તાળું;

સઘળી કૂંચી અજમાવી તોયે,

નથી ઉઘડવાવાળું,

એવી તો અસલ, અજોડી,

બીજી નથી કોઈ ઘડી... કહોને...

હરદમ એને હૈયે રાખી,

જતન કર્યું હરઘડી;

અણગમતી, અણધારી આવી

આફત અઘરી પડી;

નાની તો પણ નજરાણામાં

સૌનાથી વડી... કહોને...

પરમ પદારથ, પાયો પારસ

પુનિત પુણ્ય પ્રતાપે;

હીરા, માણેક, રતન અમૂલાં

આપું, શોધી આપે;

દઉં ઓવારી જીવતર 'બાબુ’

માંગે મોઢે ચડી... કહોને...

સ્રોત

  • પુસ્તક : હાલ્યને સૈયર (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સર્જક : બાબુ નાયક
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2019