kunchino jhuDo ji re - Geet | RekhtaGujarati

કૂંચીનો ઝૂડો જી રે

kunchino jhuDo ji re

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
કૂંચીનો ઝૂડો જી રે
મનોહર ત્રિવેદી

મારી કડ્યમાં છે કૂંચીનો ઝૂડો જી રે

અરતો ડાબે કાંડે

ફરતો જમણે કાંડે

મારી નણદલનો વીર મારો ચૂડો જી રે

ઊકલ્યાં વાસીદાં: બારેવો ભરવા બેઠી

ઘડી પરસેવા–સોતી આછરવા બેઠી

વાયરે ફૉરી કીધી

સાયબે ઑરી લીધી

એક અળવીતરો: બીજો આફૂડો જી રે

મેં તો અંબોડે ફૂલ જરી મૂક્યું હતું

ત્યાં તો ભીને તે વાન આભ ઝૂક્યું હતું

અગરીક અડખે સૂંઘે

લગરીક પડખે સૂંઘે

બળ્યો, મીઠપનો ડંખે મધપૂડો જી રે

મારા કમખાની વાડીયું લીલીકુંજાર

સાખ વનપક ને એનો વેઠાય નહીં ભાર

અરધો પા ઊડે

પરધો તે પા ઊડે

ઊડતો આંબામાં અટવાયો સૂડો જી રે

મારી કડ્યમાં છે કૂંચીનો ઝૂડો જી રે

સ્રોત

  • પુસ્તક : છુટ્ટી મૂકી વીજ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : મનોહર ત્રિવેદી
  • પ્રકાશક : જનપદ પ્રકાશન
  • વર્ષ : 1998