ઘાટ ઘાટનાં વાસણ ઘડિયા
ghaat ghaatnan vaasan ghadiyaa
ભરત વાઘેલા
Bharat Vaghela

ઘાટ ઘાટનાં વાસણ ઘડિયા, એની માથે કાંઠા ચડિયા,
એ વાસણમાં રંગો ભરવા, કોણ ઊભું છે લઈને ખડિયા?
રંગ તણો રંગારો કેવો? કેવી પીંછી! કેવા રંગો!
ઘાટે ઘાટે ફેર છતાંયે એક સરીખા રાખ્યા અંગો.
કાન, ગાન ને વાન ઘડીને, સાન ભાનને સાથે જડિયા.
એ વાસણમાં રંગો ભરવા...
જેવો જેનો ઘાટ ઘડાયો એ પરમાણે તે પરખાશે,
જેને લાગ્યો તેજ ટકોરો, એ સૌથી પ્હેલાં વ્હેચાશે,
અંતે પાછા મૂળ જગા એ ભળી ગયા તે કદી ના રડિયા.
એ વાસણમાં રંગો ભરવા...



સ્રોત
- પુસ્તક : પદ્ય : જુલાઈ - સપ્ટેમ્બર, ૨૦૨૨ અંક-૧૫ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : રવીન્દ્ર પારેખ