to janun! - Geet | RekhtaGujarati

તો જાણું!

to janun!

સુરેશ દલાલ સુરેશ દલાલ
તો જાણું!
સુરેશ દલાલ

મારી ગાગર ઉતારો તો જાણું

કે રાજ, તમે ઊંચક્યો 'તો પ્હાડને!

હું તો ઘરે ઘરે જઈને વખાણું

કે રાજ, તમે ઊંચક્યો 'તો પ્હાડને!

આખો દી વાંસળીને હાથમાં રમાડો ક્હાન!

એમાં શા હોય ઝાઝા વેતા?

કાંટાળી કેડી પર ગાગર લઈને અમે

આવતાં, જતાં ને સ્મિત દેતાં.

હું તો વ્હેતી જમુનાને અહીં આણુઃ

મારી ગાગર ઉતારો તો જાણું

કે રાજ, તમે ઊંચક્યો 'તો પ્હાડને!

હોંકારા દઈ દઈને ગાયો ચરાવવી

ને છાંય મહીં ખાઈ લેવો પોરો;

ચપટીમાં આવું તો કામ કરી નાખે

અહીં નાનકડો ગોકુળનો છોરો.

ફરી ફરી નહીં આવે ટાણું :

મારી ગાગર ઉતારો તો જાણું

કે રાજ, તમે ઊંચક્યો 'તો પહાડને!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 354)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004