sayujya - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હૃદયમાં ટહૂક્યા રાસબિહારી

સખીરી, ટહૂક્યા રાસબિહારી;

તુલસીદલની પુનિત પ્રસાદી

જમુનાજલની ઝારી :

હૃદયમાં ટહૂક્યા રાસબિહારી.

રંગભવનમાં આડે પડખે ગુપચુપ રહી’તી લેટી,

ત્યાં આવ્યા ઘનશ્યામ, નયનથી લીધી મને લપેટી :

ધડકતી ઝબકી અંગધ્રુજારી!

સખીરી, ટહૂક્યા રાસબિહારી.

બડભાગી બંસી છેડી’તી હરકત તાનેતાને,

જોબન ઘેલું, જીવ બ્હાવરો હાય! કહ્યું ના માને :

મધુરતા અણપ્રીછી અણધારી!

સખીરી ટહૂક્યા રાસબિહારી.

ગોપી કોઈ નથી પરણેલી, કોઈ નથી કુંવારી,

જીવ બ્રહ્મની અકલિત માયા, નહિ જીતી, નહિ હારી;

મિલનની મંગલ ઘડી પધારી,

સખીરી ટહૂક્યા રાસબિહારી.

સપનાંઓનો સભર સમંદર અભરંભર થઈ રાચે,

કૃષ્ણ ગગનમાં ચન્દ્ર જોઈને નિજાનંદમાં નાચે;

પ્રીતની બુંદબુંદ બલિહારી,

સખીરી ટહૂક્યા રાસબિહારી.

નહિ ચરણામૃત નહિ મિલનામૃત, અધરામૃત નહિ માગું,

સૂરબ્રહ્મનું સંજીવન પી તંદ્રિત તંદ્રિત જાગું :

કે નટવર નર નહિ : હું નહિ નારી

હૃદયમાં ટહૂક્યા રાસબિહારી

તુલસીદલની પુનીત પ્રસાદી

જમુના જલની ઝારી—

સખીરી, ટહૂક્યા રાસબિહારી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 96)
  • પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
  • વર્ષ : 1964