નયનામૃત
Nayanamrut
લલ્લુભાઈ કાળીદાસ ઓઝા
Lallubhai Kalidas Oza
વારી જાઉં નગીના નંદનારે, તારી મીટમાં મોહનવેલ;
વંદ્રાવની વાટમાં કરતો, ગોવાળીયાશું ગેળ. વારીo ટેક.
જળ જ્મુનાનાં હું ગઈરે, મારે માથે જળની હેલ;
ત્રાંસી આંખે નીરખી, મારૂં કાળજડું કોરેલ. વારીo
પ્રાણજીવનની પ્રીતડીરે, બેની જીવડલા શું જડેલ;
બુટા બીલોરી કાચનારે, નથી સાંભળ્યા છુટા પડેલ. વારીo
પ્રીતમ ધાગા પ્રીતનારે, ગળે નંદ કુંવર નાંખેલ;
તાણતાં તૂટી જાય છે, દિઠો મેં ખરાખરીનો ખેલ. વારીo
ધગતી’તી ત્રણ તાપથીરે, વ્યવસાય થકી વીંટેલ;
શાંત સુધા સમ થઈ રહીરે, નાથના નેણનો ખેલ. વારીo
આવજ્યો મારે આંગણેરે, કાંઈ છોગલાં મેલી છેલ;
લલ્લુ નેણાં લાલચુ મારાં, નાથ સાથે લાગેલ. વારીo
સ્રોત
- પુસ્તક : કાવ્ય કુસુમાકર (ભાગ ૧) (પૃષ્ઠ ક્રમાંક 539)
- સર્જક : ઓઝા લલ્લુભાઈ કાળીદાસ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1906