કાનજી ડૉટ કૉમ...
kanji dot com
કૃષ્ણ દવે
Krushna Dave
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે ક્યાં ક્યાં નામ એમાં રાખું?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું?
કાનજીની વેબસાઇટ...
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઇટ...
એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઇટ...
સ્રોત
- પુસ્તક : વાંસલડી ડૉટ કૉમ (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : કૃષ્ણ દવે
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2016
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ