mahiDan - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હલકે હાથે તે નાથ! મહિડાં વ્હલોવજો,

મહિડાંની રીત ન્હોય આવી રે લોલ.

ગોળી નન્દાશે, નાથ! ચોળી છંટાશે, નાથ!

મોતીડાંની માળા તૂટશે રે લોલ.

ગોળી નંદાશે ને ગોરસ વહી જાશે,

ગોરીનાં ચીર પણ ભીંજાશે રે લોલ;

હલકે હાથે તે નાથ!

ન્હાની શી ગોરસીમાં જમનાજી ઉછળે

એવી નાથ! દોરી રાખો રે લોલ;

ન્હાની શી ગોરસીમાં અમૃત ઠારિયાં,

હળવે ઉઘાડી નાથ! ચાખો રે લોલ;

હલકે હાથે તે નાથ!

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 2 (પૃષ્ઠ ક્રમાંક 209)
  • સંપાદક : ધીરુભાઈ ઠાકર, વ્રજલાલ દવે
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1980