krishn radha - Geet | RekhtaGujarati

નભ ઝૂક્યું તે કાનજી

ને ચાંદની તે રાધા રે,

સરવલ જલ તે કાનજી

ને પોયણી તે રાધા રે,

બાગ ખીલ્યો તે કાનજી

ને લ્હેરી જતી તે રાધા રે,

પરવત-શિખર કાનજી

ને કેડી ચડે તે રાધા રે,

ચાલ્યાં ચરણ તે કાનજી

ને પગલી પડે તે રાધા રે,

કેશ ગૂંથ્યા તે કાનજી

ને સેંથી પૂરી તે રાધા રે,

દીપ જલે તે કાનજી

ને આરતી તે રાધા રે,

લોચન મારાં કાનજી

ને નજરું જુએ તે રાધા રે!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 156)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004