kon phari bolawe? - Geet | RekhtaGujarati

કોણ ફરી બોલાવે?

kon phari bolawe?

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
કોણ ફરી બોલાવે?
સ્નેહરશ્મિ

મુજ વિદાય સમયે કો

મને પાછળથી બોલાવે?

મને કોણ ફરી બોલાવે?

રે ‘જા મા! જા મા!' એવાં

ઘર ઘરનાં સૌ નેવાં

છલ છલ થાતાં હીબકાં લેતાં

વચનો કેમ સુણાવે?

મને કોણ ફરી બોલાવે?

વનની કુંજે કુંજે

પુષ્પ તણા નવ પુંજે—

રે ભીની વ્યાકુળ આંખો કોની

હૈયે અશ્રુ વહાવે?

મને કોણ ફરી બોલાવે?

અનિલની લહરે લહરે,

ગિરિ ગિરિઓની કુહરે,

રે મુખરિત નિ:શ્વાસો કોના

પ્રાણે કંપ જગાવે?

કો ફરી ફરી બોલાવે?

અસીમ નભની સીમા,

નિજ આતુર સાદે ધીમા,

મુજ આગળ વધતાં અસ્થિર ડગલાં

ક્યમ ફરી પાછાં વાળે?

મને કોણ કહો બોલાવે?

નહિ પ્રયાણ શકું ટાળી,

ક્યમ સ્નેહ શકું વળી ખાળી?

કો કો’ ધરતીની રજ રજને કે,

વિદાય હવે અપાવે!

મને કોણ ફરી બોલાવે?

મુજ વિદાય સમયે કો

મને પાછળથી બોલાવે?

મને કોણ ફરી બોલાવે?

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 241)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984