kok to jage! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોક તો જાગે!

kok to jage!

વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિત
કોક તો જાગે!
વેણીભાઈ પુરોહિત

આપણામાંથી કોક તો જાગે

કોક તો જાગે!

હાય જમાને ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,

ઘેનસમંદર ઘૂઘવે

એનાં ઘોર ઊંડાણો કોક તો તાગે :

આપણામાંથી કોક તો જાગે!

હાય! જમાને ઝેરને પીધાં, વેરને પીધાં,

આધીનનાં અંધેરને પીધાં,

કૈંક કડાયાં કેરના પીધાં;

આજ જમાનો અંતરાશે એક ઘૂંટડો માગે

સાચ-ખમીરનો ઘૂંટડો માગે :

આપણામાંથી કોક તો જાગે!

બાપદાદાની બાંધેલ ડેલી,

એક ફળીબંધ હોય હવેલી,

ગામની ચંત્યા ગોંદરે મેલી

એ...ય નીરાંતે લીમડા હેઠળ

સૌ સૂતાં હોય એમ કાં લાગે?

આપણામાંથી કોક તો જાગે!

સોડ તાણી સૌ આપણે સૂતાં,

આપ-ઓશિકે આપણાં જૂતાં,

ઘોર અંધારાં આભથી ચૂતાં,

ઘોર અંધારી રાત જેવી

ઘનઘોર તવારીખ સોરવા લાગે :

આપણામાંથી કોક તો જાગે!

આમથી આવે ક્રોડ કોલાહલ,

તેમથી વ્હેતાં લોહી છલોછલ,

તોય ઊભાં જે માનવી મોસલ

આપરખાં વગડાઉ ને એવાં

ધ્યાનબ્હેરાંનાં લમણામાં મર લાઠિયું વાગે :

આપણામાંથી કોક તો જાગે!

એક દી એવી સાંજ પડી’તી,

લોક-કલેજે ઝાંઝ ચડી’તી,

શબ જેવી વચમાં પડી’તી,

ગુલામી ગોઝારી

મૂરછા છાંડી મ્હોરવા માગે :

આપણામાંથી કોક તો જાગે!

કોઈ શું જાગે?

કોઈ જાગે કે કોઈ ના જાગે

તું જાગ્યો તો તું જા આગે

કોઈ શું જાગે?

સ્રોત

  • પુસ્તક : કુમાર : ત્રીજા દશકાના પૂર્વાર્ધનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 14)
  • પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
  • વર્ષ : 1998