Koi Padtu Kedi Te Par - Geet | RekhtaGujarati

કોઈ પાડતું કેડી તે પર

Koi Padtu Kedi Te Par

બકુલ રાવલ બકુલ રાવલ
કોઈ પાડતું કેડી તે પર
બકુલ રાવલ

કોઈ પાડતું કેડી તે પર

કોઈ ચરણ દઈ ચાલે

પૂર્વ દિશાનું પરોઢ પણ

જઈ પશ્ચિમને અજવાળે.

તુલસીના કૂંડામાં વાવો

બાવળનું જો ઠૂંઠું

સાત સરોવર સિંચો તોયે

ઠૂંઠું તે તો ઠૂંઠું

ઋતુ ઋતુની રંગલીલામાં લેશ નહીં મ્હાલે.

દરિયો જળનું દાન દઈને

બાંધે વાદળ આભે

વાદળ મીઠાં જળ વરસાવે

ધરતી એથી લાભે

અગમનિગમનો ખેલ ખબર ના ચાલે કોના તાલે?

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ