કોડિયાં એલી નહિ રે, મીં તો જેગવી દીધાં તન
kodiyaan aelii nahi re, miin to jegvii didhaan tan

કોડિયાં એલી નહિ રે, મીં તો જેગવી દીધાં તન
kodiyaan aelii nahi re, miin to jegvii didhaan tan
ઊજમશી પરમાર
Ujamshi Parmar

કોડિયાં એલી નહિ રે, મીં તો જેગવી દીધાં તન.
સાંજ પડે ને વાય રે કુનાં પગલાં ભીનાં વાય,
દોડવું મારે નહિ ને અલી, દોડું દોડું થાય,
ભીંતમાં ગરું તોય તે યાંથી આવશે રે સાજન,
કોડિયાં એલી નહિ રે, મીં તો જેગવી દીધાં તન.
ટોડલા મૂઆ ટહૂકે મારે શરમાવાનું ર્યું,
નેવાં ઊઠી ડોકિયું કરે રોજનું આ તો થ્યું.
હીંચવા માંડે ઘરભરીને ગાણાંનું ગવન,
કોડિયાં એલી નહિ રે, મીં તો જેગવી દીધાં તન.
કો'ક જો આવે; હાથનું ભરત મેલી ઊભી થઉં,
ફળિયું મારી મોર્ય લળીને જોવે પછી, હઉં;
'ઈ' હશે તો દોટ મેલીને પરખી લ્યે પવન,
કોડિયાં એલી નહિ રે, મીં તો જેગવી દીધાં તન.

સ્રોત
- પુસ્તક : નગર વસે છે (પૃષ્ઠ ક્રમાંક 42)
- સંપાદક : હરિકૃષ્ણ પાઠક
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 1978