કો ભરતીની છોળે નીકળી આવ્યો’તો તવ આરે
ko bhartiinii chhole niiklii aavyo'to tav aare
ઉશનસ્
Ushnas

કો ભરતીની છોળે નીકળી આવ્યો’તો તવ આરે,
ઝંઝામાં તરી ઉપર-નીચે પછડાતી મઝધારે.
તવ તીરે લંગર નાખ્યું પણ કોઈ નહીં પિછાણ;
અમથી આંખ પૂછી બેઠી’તી તુજને : ‘હે અણજાણ!
રાત આટલી પડી ર્હેવા તો દેશે ને તવ દ્વારે?’
–કો ભરતીની o
આંખ મીંચાઈ થાકીપાકી ત્યાં સમણે લ્યો, આપ!
પરીનો ચ્હેરો ચમકી ઊઠ્યો મુજ સંમુખ નિષ્પાપ!
અદ્ભુત! આવ્યા અભિયાગતને અપનાવ્યો વરમાળે!
–કો ભરતીની o
નિર્જન સૂનાં રાજ, રાજના રાજનસૂનાં મ્હેલ,
કળશ હાથણી ઢોળી બેઠી દરવાજે જે પ્હેલ :
આપણે કોઈ વાત! પરીની પ્રીત પાઈ કઠિયારે!
–કો ભરતીની o



સ્રોત
- પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 590)
- સર્જક : ઉશનસ્
- પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
- વર્ષ : 1996