કિયો પદારથ...
kiyo padarath
પૂજ્ય બાપુ
Pujya Bapu
પૂજ્ય બાપુ
Pujya Bapu
કિયો પદારથ લાધ્યો સાંઈ! કિયો ફૂંકીયો મંતર?
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર...
પરથમ ફૂંક લગાવ્યા ભેળા ગોખ થયાં ઝળહળતાં,
બીજી ફૂંકે હરિવર મારાં હૈયે આવી મળતા.
ફેર કશો ના રહે સમયનો, પળ હો કે મનવંતર...
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર...
નુરત સુરતમાં મટી મૂળથી યુગ યુગન કી ફેરી,
અનહત નાદ ભયો જોગંદર, પાવન જીવની દેરી.
સાત જનમનાં પડદા પડતાં ઓરું લાગે અંતર...
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર...
સ્રોત
- પુસ્તક : કવિતા : નવે. - ડિસે., 2024
- સંપાદક : રમેશ પુરોહિત
- પ્રકાશક : જન્મભૂમિ ટ્રસ્ટ, મુંબઈ
