કિન્નરી
kinnarii
ઊજમશી પરમાર
Ujamshi Parmar

કોતરણીની કણી કણીમાં રહે કળપતી,
અહીં કિન્નરી ક્ષત-અવશેષે પડી શતકથી.
હજીય સ્તનદ્વય ધબકારાથી રહે થડકતા,
કટિપ્રદેશે ખાડા-ટોચા રહે પસરતા,
સહી ઝુરાપો, છિન્ન ભુજાઓ પડી કણસતી.
ન્હોર ભરાવી નકશી ચીરી નઠોર કાળે,
પાડી ઊંડા ઘાવ કળાનાં ચીર ઉછાળે;
હજી સમાપન ક્યાં, વા-ઝડીઓ રહે વરસતી.



સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૬ (પૃષ્ઠ ક્રમાંક 25)
- સંપાદક : નરોત્તમ પલાણ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1998