khushbo muki jay - Geet | RekhtaGujarati

ખુશ્બો મૂકી જાય

khushbo muki jay

રતિલાલ છાયા રતિલાલ છાયા
ખુશ્બો મૂકી જાય
રતિલાલ છાયા

આવી આવી દ્વારે મારે

ખુશ્બો મૂકી જાય!

પ્રિયા ખુશ્બો મૂકી જાય!

કુમકુમ ઝરતી પગલી એની,

પાની ના ઝંખાય;

સ્મિતથી વીજળી ચમકે પાસે,

નયણાં ના દરશાય!

પ્રિયા ખુશ્બો મૂકી જાય! આવી આવી.

નીલ આકાશે ઓઢણી ઊંડે,

દેહ ના દેખાય,

રત્નજડિત ઉડુની માળા,

કંઠ ના ડોકાય!

પ્રિયા ખુશ્બો મૂકી જાય! આવી આવી.

પુષ્પડાળે વેણી રે ઝૂલે,

કેશ ના કલ્પાય!

ઉરનો અળતો ઊછળે આભે,

હૈયું ના હેરાય!

પ્રિયા ખુશ્બો મૂકી જાય! આવી આવી.

દિવસે આવે, રાત્રે આવે;

સ્હેજ ના સ્પર્શાય!

તો એની નૌતમ લીલા,

અંતર આંજી જાય!

પ્રિયા ખુશ્બો મૂકી જાય! આવી આવી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004