akharni khep - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છેલ્લી છે ખેપ, રખે ખોટો પડ ખારવા!

રાંઢવાં છે તંગ સઢ સાતે ફફડાટ કરે,

સાગરથી ઝાઝેરો થતો ઘુઘવાટ કરે,

મારુતિની દેરીના લીંબડે જે માંકડાં

એનાથી અદકો લંગર રઘવાટ કરે.

ઊંચો તેરો ઝા’ઝ એને ખંભે ચડ ખારવા!

આખરની ખેપ રખે ખોટો પડ ખારવા!

ધરણી તો માવડી તું દેખ બો’ત બૂઢી ભઈ,

ઓસડિયાં આણ અજબ વાં ઓલ્યે ટાપુ જઈ,

ટાબરિયાં કરતાં જો છબછબિયાં કાંઠડે

એને કાજ કેફી કહાણિયાં તું આવ લઈ.

તીખો જુવાન કોક સંગ પકડ ખારવા

છેલ્લી છે ખેપ રખે ખોટો પડ ખારવા.

દરિયાએ કરવું છે દંગલ, નક્કી છે.

છે હઠીલો તો તુંય જબર જક્કી છે.

આરતીના ઢોલ ઘંટ શંખ બજે સાંઝરે

આયેગા તૂફાન, એમ, વો તો બાત પક્કી છે.

મોરો ઉગામી તૂફાનને અડ ખારવા!

આખરની ખેપ રખે ખોટો પડ ખારવા.

ખારીલાં પાણી ને મરમ એનો મીઠડો,

અમરત દ્યે એને જે દેખાડે પીઠડો.

તારી ક્યાં હઠ છે કે પાછા છે આવવું?

જિતણો જખ્મી તું ભલા ઈતણો કડોધડો,

અમરત બની તું જમડાને જડ ખારવા

છેલ્લી છે ખેપ રખે ખોટો પડ ખારવા.

પાછો ફરશે તારો ઝા’ઝ આયાં ડક્કે જ્યારે

તૂતક પર સોડ તાણી સૂતો હશે તું તો ત્યારે,

જેવો અભરામ એક, દૂજો નિરંજણો

એવો તું સોભસે, હોં, એવો તો, હાં રે હાં રે

તીખો તોકાર ઝા’ઝ, જા જા ચડ ખારવા

આખરની ખેપ રખે ખોટો પડ ખારવા.

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - નવેમ્બર 2023 (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન