vadal thaiye - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાદળ થઈએ

vadal thaiye

ધ્રુવ ભટ્ટ ધ્રુવ ભટ્ટ
વાદળ થઈએ
ધ્રુવ ભટ્ટ

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે

આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણાં જાય ભીંજાતાં ખેતરે ભણી જાય ભીંજાતાં

વાવણી મિષે

આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જાવું એવડું વનેવન

નાગડાં નાતા છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવા’નું મન

હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને માથે સીમને માથે,

ઉગમણે આથમણી દિશે

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે

સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવાં ફૂલ-ગુલાબી રંગની રેલમછેલ

આપણી મોજે આપણાં ચિત્તર કાઢીએ એવું આયખું મળે દેહની તૂટે જેલ

આપણે તો બસ આપણામાંથી નીકળી જાવું ઝરમરીને કોઈ અજાણી ઝાકળ-ઘેલી

પાંદડી વિશે

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે

સ્રોત

  • પુસ્તક : ધ્રુવગીત (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : ધ્રુવ ભટ્ટ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2021